Pride of learning - વિદ્યાનું ઘમંડ
- akhandjyoti gujarati
- Dec 22, 2021
- 1 min read

ચાર સ્નાતકો પોતપોતાના વિષયોમાં પારંગત થઈને ઘરે પાછા જઈ રહ્યા હતા. તે ચારેયને પોતાની વિદ્યા પર ખૂબ ગર્વ હતો. સાંજ પડવા આવી હતી, એટલે રસ્તામાં એક જગ્યાએ તેમણે પડાવ નાંખ્યો. ભોજન બનાવવા માટે બધાએ પોતાના તરફથી મદદ કરી. તેઓ બધા એકબીજાના સહયોગથી ભોજન રાંધવા લાગ્યા. સૌપ્રથમ એમાંનો એક તકશાસ્ત્રી હતો તે લોટ લેવા બજારમાં ગયો. તે લોટ લઈને પાછો ફર્યો ત્યારે તેના સ્વભાવ પ્રમાણે તેણે પોતાની તર્કબુદ્ધિ વાપરીને વિચાર્યું કે આ પાત્ર શ્રેષ્ઠ છે કે લોટ શ્રેષ્ઠ છે. આ બાબતની ખાતરી કરવા માટે તેણે વાસણને ઊંધું કર્યું, આથી બધો જ લોટ નીચે ધૂળમાં વેરાઈ ગયો. એમનામાં એક કલાશાસ્ત્રી પણ હતો. તે બળતણના લાકડાં લેવા માટે જંગલ તરફ ગયો. તેણે લાકડાં કાપી લાવવાનું કાર્ય સ્વીકાર્યું હતું. તે સૌદર્યપ્રિય હતો, તેથી સુંદર હરિયાળાં વૃક્ષો પર મુગ્ધ થઈને લીલી ડાળીઓ કાપી લાવ્યો. તે લાકડાં દેખાવમાં તો સુંદર લાગતાં હતાં, પરંતુ તેમને સળગાવવાનું કામ ખૂબ મુશ્કેલ હતું, એમ છતાં ગમે તેમ કરીને ચૂલો સળગાવ્યો. તેમની પાસે સદ્ભાગ્યે થોડાક ચોખા હતા. અને તેમણે રાંધવા મૂક્યા. ભાત જ્યારે ચડી રહ્યો હતો ત્યારે તેમાંથી ખદખદ અવાજ આવ્યો. એ વિદ્વાનોમાંનો ત્રીજો પાકશાસ્ત્રી હતો. તેણે તે રાંધવાનું કામ પોતાના માથે લીધું હતું, પરંતુ ચોથો વ્યાકરણશાસ્ત્રી હતો. તેણે ભાત રંધાવાના કારણે પેદા થતા ખદખદ અવાજને ધ્યાનપૂર્વક સાંભળ્યો અને વ્યાકરણના હિસાબે તે ઉચ્ચારણ ખોટું છે એવું કહીને હાંલ્લી પર જોરથી એક ડડો માર્યો. આથી હાંલ્લી ફૂટી ગઈ અને બધો ભાત ચૂલામાં પડી ગયો. પોતાની મૂર્ખતાના લીધે તેઓ ચારેય જણ પસ્તાવા લાગ્યા અને ભૂખ્યા સૂઈ જવાની તૈયારી કરતા હતા એ વખતે ત્યાં નજીકમાં રહેલા ગામડાના એક માણસે પોતાની પોટલીમાંથી તેમને થોડું ભોજન આપ્યું અને તેમને સમજાવ્યું કે પુસ્તકિયા જ્ઞાનની તુલનામાં વ્યાવહારિક અનુભવોનું મહત્ત્વ વધારે છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2021
Comments