Compos Mentis King Janak - સ્થિતપ્રજ્ઞ રાજા જનક
- akhandjyoti gujarati
- Sep 25, 2021
- 1 min read

યાજ્ઞવલ્કય અધ્યાત્મના ગૂઢ વિષયો પર દરરોજ પ્રવચન કરતા હતા. તે પ્રવચનો સાંભળવા માટે આસપાસમાં રહેતા કેટલાય સંત મહાત્માઓ અને રાજા જનક પણ આવતા હતા. જો જનક રાજાને આવવામાં કોઈક દિવસ મોડું થઈ જાય તો મહર્ષિ યાજ્ઞવક્ય તેમની રાહ જોતા અને તેમના આવ્યા પછી જ પ્રવચન કરતા. આ જોઈને ત્યાં આવતા સંત મહાત્માઓ અંદરોઅંદર વાતો, કરતા કે યાજ્ઞવલકજી પોતાને રાજકીય સન્માન મળે એવી અપેક્ષાથી જનક રાજાની રાહ જુએ છે. જ્યારે યાજ્ઞવલ્કયજીને આ બાબતની ખબર પડી ત્યારે તેમણે જનક રાજા જીવનમુક્ત છે એવું સાબિત કરવા માટે એક નાટક કર્યું.
બીજા દિવસે પ્રવચન ચાલતું હતું ત્યારે તેમનો એક શિષ્ય દોડતો દોડતો આવ્યો અને જનકરાજાને કહ્યું કે મહારાજ! આપ જલદી ચાલો. આપના મહેલમાં આગ લાગી ગઈ છે. જનકરાજાએ કહ્યું કે જે પહેલાં પણ મારો ન હતો તે હવે મારો કઈ રીતે હોઈ શકે? ઋષિવર ! આપ પ્રવચન ચાલુ રાખો. પ્રવચન પૂરું થયા પછી હું મહેલે પાછો જઈશ. થોડીવાર પછી તે શિષ્ય પાછો આવ્યો અને સાધુમહાત્માઓને કહ્યું કે હે સંતગણ ! આપ જલદી દોડો, આગ તમારી ઝૂંપડીઓ સુધી પહોંચી ગઈ છે. આટલું સાંભળતાં જ બધા સંત મહાત્માઓ ઊભા થઈને દોડવા લાગ્યા. વાસ્તવમાં આગ તો લાગી જ ન હતી. એ તો યાજ્ઞવલ્કયજીની એક યોજના હતી. સાધુ મહાત્માઓને સાચી વાત સમજાતાં તેમનાં માથાં શરમથી ઝૂકી ગયાં.
Reference: યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2021
Comments