Trivial Achievement - તુચ્છ સિદ્ધિ
- acjjob
- Jun 12, 2021
- 1 min read
Updated: Jun 13, 2021

એક સાધક ૨૦ વર્ષો સુધી તપસ્યા કર્યા પછી પોતાના ગામમાં પાછો ગયો ત્યારે તેના વિશે જાણવા ઉત્સુક ગામલોકોની બહુ મોટી ભીડ ત્યાં ભેગી થઈ ગઈ. એક જણે તેને પૂછ્યું કે આટલાં બધાં વર્ષો સુધી તપસ્યા કર્યા પછી તમને કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ? તે સાધકને પોતાની સિદ્ધિઓનું બહુ અભિમાન હતું. તેણે કહ્યું કે હું હમણાં જ તમને ચમત્કાર બતાવું છું. પછી તેણે અંજલિમાં જળ લઈને એક પક્ષી પર છાંટ્યું, તો તરત જ તે પક્ષીના પ્રાણ નીકળી ગયા. પછી સાધકને પક્ષીની પાસે ગયો અને એક મંત્ર બોલ્યો તો એનાથી પેલું પક્ષી જીવતું થઈ ગયું અને પાંખો ફફડાવીને ઊડી ગયું. તે સાધકની મા પણ ત્યાં હાજર હતી. તેણે એને પૂછ્યું કે આ જાદુગરી બતાવવાથી તને શો લાભ થયો એ તું મને જણાવ. વીસ વર્ષોમાં તારી રાહ જોતાં જોતાં ખૂબ દુખી થઈને તારા પિતાજી મૃત્યુ પામ્યા. હું વર્ષોથી અપંગ બનીને ખૂબ મુશ્કેલીમાં જીવન જીવી રહી છું, પરંતુ મને તારો કોઈ સહારો ન મળ્યો. જો આટલાં બધાં વર્ષો સુધી તે લોકોને મદદ કરવાનું તથા તેમની સેવા કરવાનું કામ કર્યું હોત તો તને થોડું ઘણું પુણ્ય પ્રાપ્ત થયું હોત. તારી આવી તુચ્છ સિદ્ધિ પાછળ તેજે વીસ વર્ષો ગાળ્યાં એ તો પાણીમાં ગયાં. માતાની આવી માર્મિક વાત સાંભળીને તે સાધકનામિથ્યા અભિમાનના ચૂરેચૂરા થઈ ગયા.
Reference:- Yug Shakti Gaytri - Gujarati, Jun-21
Comments